હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ
નવસારી જિલ્લાના ગૌરવ સમાન સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા નો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવી દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે.
આ સાથે સ્વાતિબેને નવસારી જિલ્લાને One District One Product હેઠળ વારલી પેઇન્ટિંગ ની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી અત્યાર સુધી કોઈને આ એવોર્ડ મળ્યો નહોતો.
સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ “ભીત ચિત્ર” વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ છે. આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે.
ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ચિત્રના કેન્દ્રમાં આદિવાસી સમાજની કુળદેવીનું ચિત્ર દોરવામાં આવ્યું છે.

Comments
Post a Comment